આવી જજો

તમારા વિયોગમાં મારો પ્રાણ જાય,
ત્યારે તમે આવી જજો.

હું નથી હયાત હવે, એવી વાત માની લેજો.
ભલે સ્વજનો મારા દુ:ખી હોય,
પણ તમે ખુશીઓ મનાવી લેજો.

એક હતો દુશ્મન એ પણ નથી રહ્યો,
એવો દિલાસો દિલને આથી દેજો.

ભલે લોકો મારી કાર્યોની પ્રશંસા કરે,
પણ તમે મારી નિંદા કરી લેજો.

અમર છે નામ મારું, તો પણ બદનામ થાય તેવી કોશિશ કરી લેજો.
એક વાર અરથી પર આવી, ચહેરો જોઇ જજો.

ફૂલોનો હાર નહીં, નફરત તમારી ચડાવી જજો
બસ, હવે નથી રહ્યો તમારો દીવાનો,
એની ખુશીઓ મનાવી લેજો.

-અજય રાવળ

Advertisements

ઓ હ્રદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને

ઓ હ્રદય, તેં પણ ભલા! કેવો ફસાવ્યો છે મને,
જે નથી મારા બન્યા, એનો બનાવ્યો છે મને,

સાથ આપો કે ના આપો, એ ખુશી છે આપની,
આપનો ઉપકાર, મારગ તો બતાવ્યો છે મને,

આ દુઃખ ના કાળમાં એને કરું છું યાદ હું,
મારા સુખના કાળમાં જેણે હસાવ્યો છે મને,

કૈં નહોતુ એ છતાં, સૌ એ મને લુંટી ગયા,
કૈં નહોતુ એટલે, મે પણ લુટાવ્યો છે મને,

આમ તો હાલત અમારા બેય ની સરખી જ છે,
મે ગુમાવ્યા એમને, એણે ગુમાવ્યો છે મને,

એ બધા “બેફામ” જે આજે રડે છે મોત પર,
એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને.

– બેફામ

લાલાશ આખા ઘરની હવામાં ભરી જઈશ

લાલાશ આખા ઘરની હવામાં ભરી જઈશ

ગુલમ્હોર મારી લાગણીનો પથારી જઈશ

ઉડતાં ફૂલોની કલ્પનાને સાચી પાડવા

આપી મહેંક પતંગિયાને હું ખરી જઈશ

આખુયે વન મહેંકતું રહેશે પછી સદા

વૃક્ષોના થડમાં નામ લીલું કોતરી જઈશ

હું તો છું પીંછુ કાળના પંખીની પાંખનું

સ્પર્શું છું આજ આભને કાલે ખરી જઈશ

મારો અભાવ મોરની માફક ટહુકશે

ઘેરાશે વાદળો અને હું સાંભરી જઈશ

સ્વરાંકન/સ્વર: મનહર ઉધાસ

સૂરજને ઠેઠ સાંજે

સૂરજને ઠેઠ સાંજે એની ખબર પડે કે,
કોઈ કિરણની ચાદર વણતું રહે સવારે.

સપનાં ભરીને ઊંટો ચાલ્યાં જતાં ઝડપથી,
રેતીમાં કોઈ પગલાં ગણતું રહે સવારે.

તૂટ્યાં કરે કોઈનાં મોંઘાં સમયનાં મોતી,
એકાંત આંગણાંનું ચણતું રહે સવારે.

રાત્રી વીતે છતાં આ મનનાં સૂનાં સ્મશાને,
કોઈ હજીય મંત્રો ભણતું રહે સવારે.

અંધારું ગાઢ આંખે આંજી અને પછીથી,
કોઈ લચેલ ક્ષણને લણતું રહે સવારે

-રાજેન્દ્ર શુક્લ

હસ્તાક્ષર

અંતરનાં પાને હળવેથી અંકાયા સ્વર અક્ષર;
સૂર-શબ્દના થાય હૃદય પર સહિયારા હસ્તાક્ષર;
એવા આ હસ્તાક્ષર.

વતન તણી માટીની ફોરમ ભીંજવી દેતી ભીતર;
ફૂલ-ફૂલની ઓળખ લઇને ખુશ્બુ વહેતી ઘર ઘર;

સમય ભલેને સરી જાય પણ અમર રહે સ્વર અક્ષર;
સૂર-શબ્દના થાય હૃદય પર સહિયારા હસ્તાક્ષર;
એવા આ હસ્તાક્ષર.

એક જ નાની ફૂંક વહે ને એક બંસરી વાગે;
એક જ પીંછીં રંગ ભરે ને દ્રશ્ય સજીવન લાગે;

કંઠ એક જો બને પૂજારી ગીત બને પરમેશ્વર;
સૂર-શબ્દના થાય હૃદય પર સહિયારા હસ્તાક્ષર;
એવા આ હસ્તાક્ષર.

– તુષાર શુકલ

છે વરસાદી

સામ સામે છે
ઝરુખો, ને સંગત
છે વરસાદી

મેઘધનુષી
માહોલ ને રંગત
છે વરસાદી

ધીમુ ધીમુ જો
પવનનુ એ ગીત
છે વરસાદી

પંખીઓ સંગ
ભીનું ભીનુ સંગીત
છે વરસાદી

જામશે હવે
મહેફીલ, ને રીત
છે વરસાદી

ચડ્યું હિલ્લોળે
કિધુ માને ના, ચિત
છે વરસાદી

થયો ઇશારો
મિલન તણો, મિત
છે વરસાદી

ભીંજાશો તમે
સજની, મારી પ્રીત
છે વરસાદી

મન

કોઇના ખ્યાલમાં મન પતંગિયુ થઈને ઉડતુ,
કોઇના વિરહમાં મન વ્યાકુળ થઈને તરસતુ.

સુગંધ સંકેલીને ફુલોના ચહેરાઓ શરમાય છે,
જેમ ઉદાસ દિલમાં કોઇ માવઠુ થઈને વરસતુ.

તારા સુંવાળા સગપણથી મન કાંઈ હરખાય છે,
કોઈ ભીતરના ભેદ મનનો ખેદ લઈને ખટકતુ.

અંધકારના ઓંઠામાં વાતનુ તિમિર અંજાય છે,
કોરા હૈયામાં ચમનની પાંખળી જોઈને ખટકતુ.

કૈ ભગ્ન અવશેષો સોનેરી યાદ લઈને આવે છે,
એજ પછી મનની મુરાદ પુલકિત કરીને ભટકતુ.

-કાંતિ વાછાણી