ક્યાં કહું છું કે ફૂલછાબ આપો

ક્યાં કહું છું કે ફૂલછાબ આપો
ફૂલ એક આપો, પણ ગુલાબ આપો
કાળી રાતોને જેમ ચંદ્ર મળે
બંધ આંખોને એનું ખ્વાબ આપો
સ્વપ્ન આંખોએ કેટલાં જોયાં?
ચાલો, આંસુ ભીનો હિસાબ આપો
આંખોઆંખોમાં પ્રશ્ન પૂછ્યો છે
હોઠથી હોઠને જવાબ આપો
મેં તો મનમાં હતું એ પૂછી લીધું
આપોઆપો, હવે જવાબ આપો!
એટલે તારા તોડી લાવ્યો નથી
કાલે કહેશો કે આફતાબ આપો
એ પૂછે છે જીવન વિશે હેમંત
એને કોરી ખૂલી કિતાબ આપો

– હેમંત પુણેકર

Advertisements

ઘડપણ

અંગત ગણું તો, જામ છે
કેવો પ્રભુ અંજામ છે

ટહુકા વિણુ છું યાદનાં
બાકી રહ્યું ક્યાં કામ છે

શબ્દો હવે હાંફી ચુક્યાં
લિખિતંગ પર આરામ છે

શ્વાસો લઈને છોડવા
બસ આટલો વ્યાયામ છે

આંખે સફેદી, કેશ પણ
શમણાં બધાયે શ્યામ છે

સેતુ સમયનાં બાંધતાં
અંતે તો સૌ ’હે રામ’ છે

-ડો.જગદીપ નાણાવટી

કન્યાવિદાય

સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઉઘલતી મ્હાલે.
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.

પાદર બેસી ફફડી ઊઠતી ઘરચોળાની ભાત
ડૂસકે ડૂસકે હડસેલાતી બાળપણાની વાત

પૈંડું સીંચતા રસ્તો આખો કોલાહલમાં ખૂંપે
શૈશવથી ચીતરેલી શેરી સૂનકારમાં ડૂબે.

જાન વળાવી પાછો વળતો દીવડો થરથર કંપે
ખડકી પાસે ઊભો રહીને અજવાળાને ઝંખે

સમી સાંજનો ઢોલ ઢબુકતો જાન ઉઘલતી મ્હાલે.
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.

-અનિલ જોશી

દિલ ઝંખે છે

શિલ્પીની કંડારેલી કૃતિ સમી
તારી આકૃતિને,
અપલક નેત્રે નિરખવા
આ દિલ ઝંખે છે.

તારા પ્રેમને ગઝલમાં વર્ણવવા,
આ દિલ ઝંખે છે.
તારી મધુર યાદોની સ્મૃતિઓનું સ્મારક
બનાવવા, આ દિલ ઝંખે છે.

સ્વપ્નાઓનાં સહિયારા વાવેતરમાં,
તારો સાથ આ દિલ ઝંખે છે.
હૃદયની વાતોને શબ્દોમાં
બયાન કરવા, આ દિલ ઝંખે છે.

દર્દ અને વ્યથા ભરેલી આ દુનિયામાં,
તારી નજરના સ્પર્શ સુખને પામવા.
આ દિલ ઝંખે છે.

પૂરા જીવનની તૃષા છીપાવવા,
તારા પ્રેમનું એક બુંદ પામવા,
આ દિલ ઝંખે છે…

-મિનાઝ વસાયા

આવવું પડશે…

ખારો છું છતાં મુજને મળવા આવવું પડશે,
મીઠા તુજ જળને ભળવા આવવું પડશે.

પીડા આ વધીને થાય હજુ બમણી એવું,
ઔષધ આ જખમ પર લગાવવું પડશે.

અળવીતરું મન હઠ લઇ બેઠું છે આપનું,
સપનામાં બે ઘડી તમારે આજ આવવું પડશે.

વધારવી હોય શાખ જો આ મયકદાની,
જાતને જામ સાથે આજ બહેકાવવી પડશે.

શાશ્વત શાંતિ કેવળ મઝાર જ આપી શકે,
રઝળીને થાકેલા જીવને એ સમજાવવું પડશે.

કેમ ન હોય ચહેરા પર રોનક અનેરી, દોસ્ત?
આવી ચડે મૃત્યુ તો હસતા મોંએ વધાવવું પડશે.

-ભરત ભટ્ટી

વિદાય

અમારી વિદાય વેળાએ પ્રેમભરી
નજર આપજો,

દિલમાં થોડોક પ્રેમ અમારા માટે
જરૂર રાખજો.

ખૂટ્યા નથી હજુ લાગણીના ઝરણાં
તમારા દિલમાંથી,

કોક દિ’ મારા પર વરસાવવા જરૂર આવજો.
રિસાઇ જવું એ સ્વાભાવિક છે પણ,

તમારા દિલ પર રાખેલું મારું નામ ‘પ્રેમ’,
ઓ ‘પરી’ તમે જિંદગીભર સાચવી રાખજો.

-વિજયસિંહ સોલંકી

આવી જજો

તમારા વિયોગમાં મારો પ્રાણ જાય,
ત્યારે તમે આવી જજો.

હું નથી હયાત હવે, એવી વાત માની લેજો.
ભલે સ્વજનો મારા દુ:ખી હોય,
પણ તમે ખુશીઓ મનાવી લેજો.

એક હતો દુશ્મન એ પણ નથી રહ્યો,
એવો દિલાસો દિલને આથી દેજો.

ભલે લોકો મારી કાર્યોની પ્રશંસા કરે,
પણ તમે મારી નિંદા કરી લેજો.

અમર છે નામ મારું, તો પણ બદનામ થાય તેવી કોશિશ કરી લેજો.
એક વાર અરથી પર આવી, ચહેરો જોઇ જજો.

ફૂલોનો હાર નહીં, નફરત તમારી ચડાવી જજો
બસ, હવે નથી રહ્યો તમારો દીવાનો,
એની ખુશીઓ મનાવી લેજો.

-અજય રાવળ